ડાકોર શહેરમાં આવેલા ગોમતી આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા 100 થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે સ્થાનિકો દ્વારા એમજીવીસીએલ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમજીવીસીએલના ધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી.
ડાકોર શહેરમાં વિવિધ વિસ્તારોમાં એમજીવીસીએલના ધાંધિયા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના માવજીભાઈ ની ખડકી, લક્ષ્મીજી મંદિર, બહેકાવાડ સહિત આસપાસના વિસ્તારમાં બે દિવસથી વીજ પુરવઠો રાત્રી દરમિયાન દૂર થઈ જાય છે.
જેમાં વીજ થાંભલા ઉપર કડાકા ભડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને લઈ 100 થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
જોકે, આ અંગે સ્થાનિકો દ્વારા વીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ વિભાગના નિંદ્રાધીન અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. જેને લઇ 100 થી વધુ લોકોને રોજ હાલાકી વેઠાવવાનો વારો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગણશટોકીઝ પાસે આવેલી 20 થી વધુ સોસાયટીમાં રાત્રી દરમિયાન લાઇટ ડીમ થઇ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે ડાકોર શહેરમાં દર શુક્રવારે વીજ પુરવઠો બંધ કરી એમજીવીસીએલ દ્વારા સમાર કામ કરવામાં આવી રહ્યું છે.
જોકે, આ સમારકામના નામે એમજીવીસીએલ દ્વારા માત્ર કાગળો પર કામગીરી કરી રહી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

