Gujarat

મહેસૂલી તલાટી સંવર્ગની પરીક્ષાના અભ્યાસક્રમ અને ગ્રેડ-પેમાં ફેરફારની માંગ સાથે કલેક્ટરને રજૂઆત

મહેસૂલી તલાટી સંવર્ગની પરીક્ષાના અભ્યાસક્રમમાં થયેલા ફેરફાર સામે બનાસકાંઠા જિલ્લાનાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી 11 મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમમાં થયેલા બદલાવને અન્યાયકારક ગણાવ્યો હતો. સાથે જ ગ્રેડ-પેમાં સુધારાની માંગ કરી હતી.

22 મે, 2025ના રોજ જાહેર થયેલા અભ્યાસક્રમ મુજબ પ્રાથમિક પરીક્ષા 200 માર્ક્સની રહેશે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, અર્થતંત્ર અને પર્યાવરણ જેવા વિષયો સમાવાયા છે.

મુખ્ય પરીક્ષા માટે 350 માર્ક્સના ત્રણ પેપર રહેશે. જેમાં 100 માર્ક્સનું ગુજરાતી, 100 માર્ક્સનું અંગ્રેજી અને 150 માર્ક્સનો સામાન્ય અભ્યાસનો પેપર રહેશે.

સામાન્ય અભ્યાસમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ અને એથીક્સ જેવા વિષયો સમાવાયા છે. અહીં અંગ્રેજી પેપર ફરજિયાત રાખવામાં આવ્યું છે. જયારે GPSC જેવી સંસ્થામાં અંગ્રેજી પેપર માત્ર ક્વોલિફાઇંગ હોય છે.

ઉમેદવારો મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે,1900 ગ્રેડ પે ધરાવતા તલાટી માટે 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર જેવી પરીક્ષા પદ્ધતિ અપનાવવી યોગ્ય નથી. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

રાજ્યમાં નાયબ ચીટનીશ, મદદનીશ ઇજનેર, કેન્દ્ર સરકારની SSC CGL અને બેન્કિંગ જેવી પરીક્ષાઓ પણ MCQ આધારિત હોય છે. તો પછી વર્ગ 3ની તલાટી પોસ્ટ માટે આટલી જટિલ લેખિત પદ્ધતિ શા માટે અપનાવવામાં આવી છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે.