ધરોઇ થી પાલનપુર શહેરને સાંકળતી પીવાના પાણીની પાઇપ લાઇનમાં વડગામના મોરિયા નજીક ભંગાણ સર્જાયું છે. જેના કારણે છેલ્લા બે દિવસથી પાલનપુરવાસીઓને ધરોઇનું પાણી મળતું નથી.
બીજી તરફ નગરપાલિકા દ્વારા બોરમાંથી અપાતુ પાણી ડહોળુ આવી રહ્યું હોઇ શહેરીજનોની હાલાકી વધી છે.
જોકે,મંગળવારે બપોર સુધીમાં ધરોઇ જુથ યોજનાનો પાણી પુરવઠો પૂર્વવત થઇ જશે તેમ ધરોઇ જુથ યોજનાના ડેપ્યુટી એન્જિનીયર યોગેશ જોષીએ જણાવ્યું હતુ.
ધરોઇ જુથ યોજના અંતર્ગત પાલનપુર શહેરને પાણી પુરૂ પાડવા માટે અલગથી પાઇપલાઇન નાંખવામાં આવી છે.
જ્યાં વડગામ તાલુકાના મોરિયા નજીક રવિવારે રાત્રે ચાલકે બસની ટક્કર મારી મુખ્ય પાઇપલાઇનનો એર વાલ્વ તોડી નાંખ્યો હતો.
આથી પાલનપુર શહેર અને યાત્રાધામ અંબાજીને પુરો પાડવામાં આવતા પાણીના જથ્થો બે દિવસથી બંધ થઇ ગયો છે.
આ અંગે પાલિકાના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાલિકાના 40 બોર દ્વારા લોકોને પીવા માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
જોકે, કોટ અંદરના નાની બજાર,મોટી બજાર, ફોફળીયા કુવા, તીન બત્તી, જનતા નગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું કે, બોરનું પાણી ડહોળું આવી રહ્યું છે.
પીવા લાયક નથી. બીજી તરફ વોર્ડ નં. 2 અને 3માં શિવનગર, શક્તિનગર સહિતની 40 જેટલી સોસાયટીઓના રહીશોએ આક્રોશ વ્યકત કર્યો કે, અમને બોરનું પાણી અપાતું નથી.નાછુટકે રૂપિયા 300 થી 500 ખર્ચીને ખાનગી ટેન્કરો મંગાવી રહ્યા છે.
પાણીની ખુબ જ વિકટ સ્થિતિ સર્જાઇ છે. મંગળવારે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવેલી મહિલાઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, પાલિકાના બોર ઓપરેટરો પાણી છોડવા માટે રહીશો પાસેથી રૂપિયા 50ની માંગણી કરી રહ્યા છે.
આ અંગે ચિફ ઓફિસર, પ્રમુખ દ્વારા તપાસ કરવામાં આવે અને આવા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.


