કલ્યાણપુર તાલુકાના સીદસર ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉંમર 53) પોતાની વાડીએ પાણી ભરવા ગયા હતા.
બુધવારે તેમનો પગ લપસી જતાં તેઓ કૂવામાં પડી ગયા હતા.
સ્થાનિક રહેવાસીઓએ તરત જ ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરી. જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા.
લાંબી કાર્યવાહી બાદ બાપાલાલસિંહનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો.
મૃતકના નાના ભાઈ વીરભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉંમર 50) એ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધ કરાવી છે.

ભાણવડમાં 70 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો નંદી
ભાણવડના સણખલા ગામમાં રાત્રે બે નંદી વચ્ચે થયેલી લડાઈમાં એક નંદી બેલેન્સ ગુમાવીને 70 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો.
ગ્રામજનોએ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી, જેમણે ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો.મોડી રાત્રે પણ એનિમલ લવર્સની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
ટીમે હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની મદદથી નંદીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. નોંધપાત્ર બાબત એ રહી કે આટલી ઊંડાઈએથી પડવા છતાં નંદીને કોઈ ગંભીર ઈજા ન થઈ અને બચાવ બાદ તે સામાન્ય રીતે ચાલતો થયો.
રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સ ગ્રુપના અરજણ મોરી, મેરામણ ભરવાડ, અનિલ પરમાર, વિશાલ ભરવાડ અને અક્ષય સૂચક સહિત ગ્રામજનોએ મદદ કરી. આ કાર્યમાં દેવાભાઈ કોળીનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું.


