દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલમાં ચાલી રહેલા ઉનાળું વેકેશનના અંતિમ દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા છે.
ભારત પાકીસ્તાન વચ્ચે ટેન્શનના દિવસો શાંત થયા બાદ પુનઃ દ્વારકામાં મોટી સંખ્યામાં ટુરીસ્ટ જોવા મળી રહયા છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં તેમજ ગોમતી ઘાટ પર વહેલી સવારથી બપોર સુધી અને સાંજથી રાત્રિ સુધી ભાવિકોનો ઘસારો જોવા મળી રહયો છે.
દ્વારકાના રમણીય બીચ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર પાસેનો બીચ, ભડકેશ્વર ચોપાટી, સનસેટ પોઈન્ટ વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળી રહયા છે.
દ્વારકા ઉપરાંત શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, રૂકિમણી મંદિર વગેરે યાત્રીક અને ટુરીસ્ટ સ્પોટ પર પણ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ તેમજ સહેલાણીઓ મુલાકાત લઈ રહયા છે.

