Gujarat

કોરોના સંભવિત સંક્રમણ સામે દ્વારકા જિલ્લો સજ્જ

સમગ્ર ભારત તથા ગુજરાત અને ખંભાળીયાની નજીકના જામનગર સુધી કોરોનાનો નવો વેરીએન્ટ સંક્રમણ થઈ ગયું છે ત્યારે દ્વારકા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારી તથા સંભવિત સંક્રમણ માટે પુરી તૈયારીઓ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ.તન્ના તથા અધિક નિવાસી કલેકટર ભુપેશ જોટાણીયાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચિરાગ ચોલીસા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યવસ્થા ગોઠવાઈ છે.

હાલ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, ઉપરાંત સાવચેતી માટે સમગ્ર જિલ્લાની તમામ પ્રાથમિક તથા સામુહિક હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોમાં પૂરતા બેડ તથા સારવારની વ્યવસ્થા કરાઈ છે.

સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં રોજ કોરોના સંદર્ભમાં બે હજાર ટેસ્ટ થાય તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા જરૂરી ટેસ્ટિંગ કીટ, વેન્ટિલેટર, ઓક્સિજન બોટલ ટેન્કમાં પૂરતા ગેસનો જથ્થો રાખવા અત્યારથી જ આયોજન થયું છે.

જિલ્લાની મુખ્ય હોસ્પિટલ ખંભાળીયાની સરકારી હોસ્પિટલ તથા દ્વારકાની સબ જિલ્લા હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા સાથે આઈ.સી.યુ.ના 74 બેડની પણ વ્યવસ્થા કરાઈ છે. જાહેર જનતાબે ડરવા નહિ પણ સાવધાની સાથે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.