નડિયાદ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત મુખ્ય કાંસને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે.
સીટી જીમખાના પાછળ ખાડ વિસ્તારમાં કરાયેલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

ગઈકાલે ખાડ વાસમાં કાંસ પર બનાવેલા નાના-મોટા દબાણો અને શૌચાલયો તોડી પાડવામાં આવ્યા હતા.
આજે શુક્રવારે પણ સીટી જીમખાના પાછળના વિસ્તારમાં JCB મશીન દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહી છે.

દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ પકડાઈ છે. જમીનમાં છુપાવેલા દારૂ બનાવવા માટેના વોશના પીપડા મળી આવ્યા છે.
આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

મહાનગરપાલિકાના આયોજન મુજબ, દબાણો દૂર કર્યા બાદ કાંસની સફાઈ કરવામાં આવશે. શહેરમાં અન્ય સ્થળોએ આવેલા કાંસ પરના દબાણો પણ આવનારા દિવસોમાં દૂર કરવામાં આવશે.
આ કામગીરીને કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી રહી છે.


