Gujarat

મુન્દ્રામાં ગૌધનના હિતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો

મુન્દ્રા બારોઇને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસકાર્યો શરૂ કરાયા છે. તેવામાં મહાનુભાવોના હસ્તે 12 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.

સ્થાનિકેના ડાકબંગલા પરિસર મધ્યે આયોજિત કાર્યક્રમનો પ્રારંભ દીપપ્રાગટ્ય દ્વારા કરી પાલિકા પ્રમુખ રચનાબેન જોષીએ વિકાસકાર્યોની રૂપરેખા વર્ણવી હતી.

જેમાં પ્રથમ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી નેવું લાખના ખર્ચે ભૂખી અને કેવડી નદીની સફાઈ સાથે સુશોભન ઉપરાંત ભુજથી મુન્દ્રા તરફ આવતાં કેવડી નદી પાસે,ગાંધીધામથી નગરમાં પ્રવેશતાં સાડાઉ રોડ ખાતે તેમજ ગોયરસમા પાસે મળી લોકોને આવકારતા કુલ્લ ત્રણ જાયન્ટ ગેટની જાહેરાત કરી હતી.

હવે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના સાત વોર્ડમાં ઉદ્યાનનું નિર્માણ થઇ ચૂક્યું હોવા સાથે બે વોર્ડના બગીચાનું લોકાર્પણ કરાયું હતું.

વિશેષમાં કલાપૂર્ણ સોસાયટીથી બારોઇ સ્થિત તળાવ સુધી વરસાદી પાણીનો નિકાલ, ભૂખી નદીથી ચાઇનગેટ સુધી રોડ લાઈટ, અન્ય જુદા જુદા વિસ્તારોનું બ્યુટીફિકેશન સહિત કુલ બાર કરોડના વિકાસકાર્યો પર પ્રકાશ પાડ્યો હતો.

સાંસદ વિનોદ ચાવડાએ જળસંચય પર ભાર મુકી આગામી સમયમાં બારોઇના પાંચ હજાર બોર રિચાર્જ કરવાની મહેચ્છા દર્શાવી હતી.

જેને વધાવી લેતાં અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે ત્રણ વર્ષની અંદર સૂચિત ટાર્ગેટ પુરો કરવાની ખાતરી ઉચ્ચારી લોકોને નૈતિક જવાબદારી રૂપે ભૂખી અને કેવડી નદીનું સૌંદર્ય જાળવવા ઉપરાંત ગૌધનના હિતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે શહેરી વિકાસશાખાની વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રાને વિકાસ માટે વધુ નવ કરોડ ફાળવાયા હોવાનું જણાવી પાલિકાની કામગીરીની સરાહના કરી હતી. કાર્યક્રમ નું સંચાલન ભાજપના પૂર્વ શહેર પ્રમુખ પ્રણવ જોષી તથા આભારવિધિ દંડક દિલીપ ગોરે કરી હતી.

વ્યવસ્થા પાર્થ ઠક્કરે સંભાળી હતી પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર કારોબારી ચેરમેન ડાયાલાલ આહીર અને ભોજરાજ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ પૂર્વ શહેર પ્રમુખ સંજય ઠક્કર પાલિકાના ઉપપ્રમુખ જીતેન્દ્ર માલમ સર્વ સેવા સંઘ ના જીગર છેડા અને ચીફ ઓફિસર એચ જી પ્રજાપતિ સમેત બહોળી સંખ્યામાં નગરજનો તેમજ સત્તાપક્ષ ના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસકાર્યોમાં આડખિલી ન બનો : ધારાસભ્ય

ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વિકાસકાર્યો થઇ રહા છે ત્યારે લોકોને આડખિલી રૂપ બનવાને બદલે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ લોકમાંગને અનુસરીને ટૂંક સમયમાં મહેશ નગરની ઘ્વસ્ત થયેલ શાળાનું નિર્માણ થઇ ગયા બાદ લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી.