નડિયાદના સંતરામ રોડ પર એક મહિલા મુશ્કેલીમાં બેઠેલી જોવા મળી હતી. જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનને જાણ કરતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
મહિલા સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તે કપડવંજ નજીકના એક ગામની રહેવાસી છે. તેણે પતિ અને સાસુના ત્રાસથી ઘર છોડ્યાની વાત કરી હતી.
અભયમ ટીમે મહિલા પાસેથી સરનામું મેળવી તેના પરિવાર સુધી પહોંચાડી હતી.
વધુ તપાસમાં સામે આવ્યું કે મહિલાને માનસિક બીમારી છે અને અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
મહિલા નિયમિત દવા ન લેવાને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. અગાઉ પણ તે ઘરેથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
અભયમ ટીમે મહિલાને નિયમિત દવા લેવાની અને એકલા ઘરેથી ન નીકળવાની સલાહ આપી હતી.
સાથે જ સાસુ અને પતિને પણ મહિલાની યોગ્ય કાળજી લેવા માટે સમજાવ્યા હતા. આમ, 181 અભયમ ટીમની ત્વરિત કાર્યવાહીથી આ મુદ્દાનો સુખદ અંત આવ્યો હતો.

