Gujarat

સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ અંતર્ગત ડભાણ અને યોગીનગરમાં રાત્રે 8 વાગ્યે અંધારપટ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ખેડા જિલ્લામાં આવતીકાલે 31 મે ના રોજ સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના જણાવ્યા અનુસાર, રાત્રે 8થી 8:15 દરમિયાન નડિયાદના ડભાણ અને યોગીનગર વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે.

આ મોકડ્રિલમાં સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ, એર રેઇડ સામે સુરક્ષા, માસ ઇન્જરીના કિસ્સામાં આરોગ્ય સુવિધાઓની તૈયારી જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લાના બે મહત્વના સ્થળો પર આકસ્મિક હુમલો અને આગની ઘટનાઓ માટે અલગથી મોકડ્રિલ યોજાશે.

ખેડા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ મોકડ્રિલમાં 2600થી વધુ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ જોડાશે. કલેક્ટરે જિલ્લાવાસીઓને સહકાર આપવા અપીલ કરી છે.

બ્લેકઆઉટ દરમિયાન વાહન ચાલકોએ હેડલાઈટ્સ બંધ રાખવાની રહેશે. જરૂર પડે તો મોબાઈલ ફોનની લાઈટનો ઉપયોગ કરી શકાશે.

કલેક્ટરે મીડિયાકર્મીઓને ખાસ વિનંતી કરી છે કે બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ ન સર્જાય તે માટે યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવે.

આ મોકડ્રિલનો મુખ્ય હેતુ કટોકટીની પરિસ્થિતિમાં જિલ્લાની તૈયારીઓ ચકાસવાનો છે.