Gujarat

25 વર્ષની રજૂઆત બાદ સવપુરા હવે જહુનગર તરીકે ઓળખાશે, ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી

ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા સવપુરા ગામનું નામ જહુનગર કરવામાં આવ્યું છે.

આ નામકરણની ઉજવણી માટે ગ્રામજનોએ જહુ માતાજીની શોભાયાત્રા યોજી હતી.

સવપુરા ગામમાં શ્રી જહુ ઝાપડી વિહત રાજબાઈ માતાનું મોટું સ્થાનક આવેલું છે. સમગ્ર ગ્રામજનો આ સ્થાનક પ્રત્યે ઊંડી શ્રદ્ધા ધરાવે છે.

ગામના તમામ પ્રસંગોમાં જહુબાઈ માતાજીના આશીર્વાદ મેળવવામાં આવે છે.

ગામનું નામ બદલવા માટે ગ્રામજનોએ 25 વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરી હતી. જો કે, ત્યારે કોઈ કાર્યવાહી થઈ નહોતી.

છ મહિના પહેલા ગ્રામજનોએ ફરી રજૂઆત કરી અને જહુબાઈ માતાજીને પ્રાર્થના કરી હતી.

સામાન્ય રીતે સરકારી ગેજેટમાં કોઈ સ્થાન, ગામ કે શહેરનું નામ બદલવા માટે જટિલ વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

જોકે સવપુરાનું જહુ નગર નામ કરવામાં ગ્રામજનોની આસ્થા અને સરકારી અધિકારીઓની નિષ્ઠાવાન કામગીરીથી આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

નામ બદલાયા બાદ ભુવાજી ગમનભાઈ દેસાઈ અને ભુવાજી નરસિંહભાઈ દેસાઈના સાનિધ્યમાં શોભાયાત્રા નીકળી હતી.

શોભાયાત્રા જહુનગરથી રાણપુર વચલા વાસ જહુ ઝાપડી વિહત રાજબાઈ માતાના સ્થાનકે પહોંચી હતી.

ત્યાં મંદિરે પૂજા-અર્ચના અને મહા આરતી બાદ સમગ્ર ગ્રામજનોએ સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.