નડિયાદના શ્રી સંતરામ મંદિર દ્વારા બ્રહ્મલીન લક્ષ્મણદાસજી મહારાજની સમાધિ તિથિ નિમિત્તે એક વિશેષ મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
વર્તમાન મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત સંતરામ લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરમાં આ કેમ્પ યોજાયો.
ખેડા જિલ્લામાંથી કુલ 160 મહિલાઓએ આ કેમ્પમાં નોંધણી કરાવી. સચોટ નિદાન માટે દરરોજ 10 દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી રહી છે.
કેમ્પમાં 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 30થી 40 ટકા મહિલાઓમાં ગાંઠની હાજરી જોવા મળી.
તજજ્ઞ ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ ગાંઠો સાધારણ અથવા કેન્સરની હોઈ શકે છે.
મેમોગ્રાફી દ્વારા બ્રેસ્ટ કેન્સરનું વહેલું નિદાન શક્ય બને છે. તમામ મહિલાઓની તપાસમાં એક્સ-રે અને સોનોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો. જૂન માસના પ્રથમ સપ્તાહમાં તમામ મહિલાઓને તેમના રિપોર્ટ આપવામાં આવશે.
તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી કે મહિલાઓમાં હજુ પણ જાગૃતિનો અભાવ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ તકલીફો સહન કરી લે છે. આ કારણે સમસ્યા વધુ ગંભીર બને છે.




