વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારોમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને આગેવાનોના સહયોગથી લોકો પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીના બદલામાં કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ થીમ પર વિવિધ કાર્યકરો થકી લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે પાલિકાના ચીફ ઑફિસર પાર્થિવ પરમાર, સેક્રેટરી દિગંત દવે, વેપારી અગ્રણી અનિશભાઈ રાચ્છ, મુકેશભાઈ ચોલેરા સહિતનાઓ દ્વારા શહેરની મુખ્ય બજાર સટ્ટાબજાર વિસ્તારમાં લોકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ લઈ અને કાપડની થેલી આપવામાં આવી હતી અને હવેથી ખરીદી કરવા નીકળે ત્યારે કાપડની થેલી સાથે રાખવા તેમજ વેપારીઓને પણ પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની અથવા નિયમોનુસાર પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં જો પ્લાસ્ટીકનો ઉપયોગ અટકશે નહીં તો પાલિકા તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઑફિસર પાર્થિવ પરમારે જણાવ્યું હતું.

