Gujarat

17,300 ફૂટ ઊંચા ‘માઉન્ટ ફ્રેન્ડશિપ’ શિખર પર ચઢાઈ કરીને ‘No Drugs Campaign’નો સંદેશ આપ્યો

વલ્લભ વિદ્યાનગર ખાતે કાર્યરત સેતુ ટ્રસ્ટના પર્યાવરણ જાગૃતિ કો-ઓર્ડિનેટર વ્રજ પટેલે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલ ૧૭,૩૦૦ ફૂટ ઊંચા “માઉન્ટ ફ્રેન્ડશિપ” શિખર પર ચઢાઈ કરીને “No Drugs Campaign” નો સંદેશ ફેલાવ્યો હતો.

Invincible NGO દ્વારા આયોજિત આ સાહસિક મિશનમાં ગુજરાતના ૯ યુવાન પર્વતારોહકોની ટીમે ભાગ લીધો હતો.

ટીમે ૨૫ મેના રોજ યાત્રાની શરૂઆત કરી અને ૩૦ મેના રોજ શિખર સર કર્યું હતું. સખત ઠંડા, ઓક્સિજનની અછત અને દુર્ગમ ચઢાણ જેવી મુશ્કેલીઓને પાર કરી યુવાનોએ તિરંગો લહેરાવ્યો અને નશામુક્તિનો સંદેશ આપ્યો.

આ અભિયાન યુવાઓમાં નકારાત્મક પ્રવૃત્તિઓ સામે સકારાત્મક ઉર્જાનો સંદેશ આપે છે.

સેતુ ટ્રસ્ટના ફાઉન્ડર અને જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ, વ્રજ પટેલની આ સાહસિક પ્રવૃતિ અને આજના યુવાનો વ્યસન મુક્તિ માટે કરેલ અપીલને બિરદાવી હતી.

આજના યુગમાં ડ્રગ્સ અને અન્ય વ્યસનોમાં ડૂબેલા યુવાનો માટે વ્રજ પટેલ ઘ્વારા કરેલ વ્યસન મુક્તિની પહેલને સામાજિક સ્વીકાર મળે અને યુવાનો વ્યસન મુક્ત બને તે માટે અન્ય રીતે પણ સૌ નાગરિકોએ જાગૃત અને સક્રિય પ્રયત્નો કરવા જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું.

વ્રજ પટેલના આ સાહસ માટે સેતુ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ દેવાંગભાઈ જોશી, જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ, જોઇન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઇ ઉપાધ્યાય, ખજાનચી ચિરાગભાઈ પટેલ સહિત તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.