Gujarat

માત્ર ₹2100 વેતન મળતા મહાનગરપાલિકામાં હોબાળો, આસી.કમિશનરે કહ્યું – નિયમ મુજબ પગાર અપાય છે

આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ લાંભવેલ પંચાયતના સફાઈ કર્મચારીઓએ વેતન વધારા માટે આંદોલન શરૂ કર્યું છે.

આજે સફાઈ કામદાર સમાજના અગ્રણીઓએ મહાનગરપાલિકા ખાતે આસી.કમિશનરની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.

1 જાન્યુઆરી 2025થી આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. આ સાથે લાંભવેલ ગામને પણ મહાનગરપાલિકામાં સામેલ કરવામાં આવ્યું છે.

લાંભવેલમાં વર્ષોથી કામ કરતા સફાઈ કર્મચારીઓને જૂના દર મુજબ માત્ર 2100 રૂપિયા વેતન મળે છે.

આ કારણે 8થી 10 મહિલા સફાઇ કર્મીઓએ ગઈકાલે લાંભવેલમાં એકત્રિત થઈ રામધૂન બોલાવી વેતન વધારાની માંગણી કરી હતી.

આજે વાલ્મીકી સમાજ જિલ્લા સંગઠનના પ્રમુખ અમિતભાઈ સોલંકી અને પ્રાદેશિક પ્રમુખ રમેશભાઈ વસુડીયા સફાઈ કામદારો સાથે મહાનગરપાલિકામાં પહોંચ્યા હતા.

તેમણે આસી.કમિશનરને આ મુદ્દે રજૂઆત કરી હતી.

આણંદ મહાનગરપાલિકાના આસી.કમિશ્નર એસ.કે.ગરવાલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મહાનગરપાલિકામાં સામેલ તમામ ગામોના સફાઈકર્મીઓને અગાઉના નિયમો મુજબ જ વેતન ચૂકવાય છે.

તેમની કામગીરીમાં પણ કોઈ વધારો કરાયો નથી. સરકાર દ્વારા જ્યારે વેતન વધારાનો નિર્ણય લેવાશે ત્યારે નિયમાનુસાર અમલ કરાશે.