માવઠા બાદ વાતાવરણ ખુલ્લું થયું છે હાલ પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે.આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 16 જૂન આસપાસ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે જો કે સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
અને ચોમાસાના આગમનની વાત કરીએ તો 21 થી 22 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થશે ત્યાં સુધી વાતાવરણ ચોખ્ખું જ રહેશે ભારે વરસાદની કોઈ જ શકયતા દેખાતી નથી.
સતત વાદળછાયું વાતાવરણ બાદ ગુરુવારે હવામાન એકંદરે સામાન્ય થતા ગરમીમાં વધારો થયો હતો.
બપોરના સમયે પારો ઊંચકાઈને 37.5 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. છેલા બે સપ્તાહથી આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું.
ધૂપછાંવ વાતાવરણને લઈ વરસાદની શક્યતા જોવાઇ રહી હતી. પરંતુ હવામાન વિભાગ અનુસાર ચોમાસુ 15 જૂન પછી સક્રિય થવાની શક્યતા હોવાથી ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠના આકાશમાંથી વાદળો વિખેરતા વાતાવરણ એકંદરે સામાન્ય થતા જૂનાગઢનું મેક્સિમમ તાપમાન 30.4 ડિગ્રી રહ્યા બાદ લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું.
સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 76 ટકાએ પહોંચી ગયું હતું જેના પરિણામે બફારો વધ્યો હતો અને બપોર થતાની સાથે ઉકળાટ વધતા 24 કલાકમાં મહત્તમ તાપમાન વધીને 37.5 ડિગ્રીએ પહોંચી જતા ગરમીનું આક્રમણ થયું હતું.
બપોરે હવામાં ભેજ 33 ટકા રહ્યો હતો. ગુરુવારે પવનની ઝડપ ઘટીને પ્રતિ કલાકની 9 કિલોમીટરની રહી હતી.
પવન સામાન્ય થતા 6 દિવસ બાદ ગિરનાર રોપવે સેવા પણ રાબેતા મુજબ થતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી.
સિસ્ટમ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફ નીકળી જશે
વરસાદી સિસ્ટમ બનશે એ સિસ્ટમ મહારાષ્ટ્રથી થઈ મધ્યપ્રદેશ તરફ નીકળી જશે જેથી વરસાદનો ઓછો લાભ મળી શકે છે.જો કે હજુ દિવસો બાકી હોય ફેરફાર પણ થઈ શકે છે.
થોડા દિવસ પહેલા સોરઠમાં માવઠું થયું હતું અને નદીઓમાં પુર આવ્યા હતા બાદમાં પાણીના તળ પણ ઉંચા આવ્યા છે જેથી ખેડૂતો હાલ ઓરવણું કરી મગફળીનું વાવેતર કરી રહ્યાં છે.

