Gujarat

સરપંચની ચૂંટણીના ફોર્મ મુદ્દે યુવક પર પૂર્વ સરપંચ સહિત 5નો હુમલો

ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે સરાડીયા ગામે સરપંચની ચૂંટણીના ફોર્મ મુદ્દે યુવક પર પૂર્વ સરપંચ સહિત 5 શખ્સે હુમલો કરતા યુવાનને જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાયો હતો.

ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સની અટક કરી તપાસ હાથ ધરી હતી.

માણાવદર તાલુકાના સરાડીયા ગામના 43 વર્ષીય મનદીપભાઈ અમૃતલાલ કેલૈયા ગુરુવારે સવારે બાઇક પર રામભાઈ કાળાભાઈ બેરીયા સાથે પર માણાવદર ખાતે પૂર્વ સરપંચ ગોવિંદ જેઠાભાઇ વરૂ વિરુધ્ધ પોલીસને અરજી આપવા માટે જઈ રહ્યા હતા.

તે વખતે ગોવિંદ વરુ, કાના ભુરા વરુ, તેનો પુત્ર અલ્કેશ, ભરત જેઠા વરુ અને ગોવિંદ જેઠાનો સાળોએ મનદીપભાઇને આંતરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા, એંગલ વડે હુમલો કર્યો હતો.

યુવકને બચાવવા વચ્ચે પડેલા રામભાઈને પણ છોડ્યા ન હતા.

સરાડીયા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા મુદે હુમલો કરી શખ્સો નાસી ગયા હતા.

ગંભીર ઈજાગ્રસ્ત થયેલા મનદીપભાઈને માણાવદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધી માણાવદરના પીઆઈ ડી. આર. પારગીની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં કાના ભુરા વરુ, તેનો પુત્ર અલ્કેશ અને ભરત જેઠા વરુની અટક કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.