Entertainment

સુરતી ટીના રાંકાએ કાન ફેસ્ટિવલમાં ₹15 લાખનો ડ્રેસ પહેરીને વટ પાડ્યો

એકેએક ગુજરાતીની છાતી ગજગજ ફૂલે એવી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જ ફ્રાન્સમાં સંપન્ન થયેલા અતિપ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વૉક કરનારાં તેઓ ભારતનાં સર્વપ્રથમ મહિલા ફેશન-ડિઝાઇનર બન્યાં છે.

સુરતમાં રહેતાં ટીના રાંકા અત્યંત કાબેલ ફેશન-ડિઝાઇનર છે અને તેમના આ ટેલેન્ટે જ તેમને અને આખા દેશને ગૌરવ અપાવ્યું. ટીનાબેન સાથે દિવ્ય ભાસ્કરે નિરાંતે વાતો માંડી અને તેમની જીવનની સ્ટ્રગલ, તેમનાં સપનાં અને ફેશન ઇન્ડસ્ટ્રીની રસપ્રદ વાતો કરી.

‘મારો જન્મ રાજસ્થાનના નાનકડા ગામમાં થયેલો. મારો ઉછેર પણ ત્યાં જ થયેલો’, ટીના રાંકાએ પોતાની જર્નીની શરૂઆતથી વાત માંડી, ‘હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે મારા લગ્ન થઈ ગયાં અને મારે ગુજરાત શિફ્ટ થવું પડ્યું. મારું સાસરું સુરતમાં હતું. સુરત આવી ત્યારે શરૂઆતી દિવસોમાં પારિવારિક જવાબદારીઓ વધારે હતી એટલે ફરી ભણતરની શરૂઆત થઈ શકી નહીં. પરંતુ મારા પતિએ દરેક પળે મને સાથ આપ્યો છે.

તેમણે જ મને લગ્નના થોડા સમય પછી ફેશન-ડિઝાઈનિંગનો કોર્સ કરાવ્યો. હું નાની હતી ત્યારથી મને ફેશનમાં રુચિ તો હતી, પણ ક્યારેય એમાં ભવિષ્ય બનાવવાનો વિચાર નહોતો. પણ કહેવાય છે ને કે ‘ધાર્યું ધણીનું થાય’, મારી સાથે પણ એવું જ થયું. મેં તો ફાઇટર પાઇલટ બનવાનું સપનું જોયેલું, પણ હું ફેશન-ડિઝાઈનર બની ગઈ, જોકે મને આ વિષયમાં પહેલેથી રસ રહ્યો છે એટલે મને કામ કરવામાં બહુ મજા આવે છે. શરૂ શરૂમાં ફેશન-ડિઝાઈનિંગનો કોર્સ પૂર્ણ કર્યા બાદ હું શોખ માટે મારા પરિવારનાં, મિત્રોનાં અને બાળકોનાં કપડાં ડિઝાઈન કરતી હતી.’

ટીના રાંકા કહે છે કે- લગ્ન બાદનો તબક્કો થોડો મુશ્કેલ હતો. અમારું જોઇન્ટ ફેમિલી હતું. લગ્નનાં થોડાં વર્ષમાં મારાં બે બાળકોનો જન્મ થયો એટલે ફેશન-ડિઝાઈનિંગ માત્ર શોખ બની ગયો હતો.

સમય કાઢીને કપડાં ડિઝાઈન કરવા કે કોઈ ફેશન ઈવેન્ટમાં ભાગ લેવો એ મારા માટે શક્ય નહોતું, પરંતુ મારાં બંને બાળકો (એક દીકરો અને એક દીકરી) મોટાં થઈ ગયાં પછી હું થોડી ફ્રી રહેવા લાગી. આ કારણે મેં મારા શોખને એક નવી દિશા આપી અને વર્ષ 2017 દુબઈના ફેશન શોથી ફેશન ઈન્ડસ્ટ્રીમાં મારું ડેબ્યૂ કર્યું.’