National

કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બ્રિટિશ F-35 ફાઇટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ

શનિવારે રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક બ્રિટિશ હ્લ-૩૫ ફાઇટર જેટનું ઈંધણ ઓછું થઈ જવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફાઈટર જેટ વિમાનવાહક જહાજ પરથી ઉડાન ભરીને લગભગ ૯.૩૦ વાગ્યે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.

એરપોર્ટ સત્તાવાળાઓએ સરળ અને સલામત ઉતરાણ સુનિશ્ચિત કરવા માટે કટોકટી જાહેર કરી હતી. “પાયલોટે ઈંધણ ઓછું હોવાની જાણ કરી અને ઉતરાણ માટે પરવાનગી માંગી. બધું ઝડપથી અને વ્યાવસાયિક રીતે સંભાળવામાં આવ્યું,” સૂત્રએ જણાવ્યું.

વિમાન એરપોર્ટ પર જ પાર્ક કરેલું છે, અને સંબંધિત કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા જરૂરી મંજૂરી મળ્યા પછી ઈંધણ ભરવાનું શરૂ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ જેટ તાલીમ ઉડાન ભરી રહ્યું હતું ત્યારે પ્રતિકૂળ હવામાનને કારણે તે યુકે નેવીના જહાજ પર પાછું ઉતરી શક્યું નહીં, જે તિરુવનંતપુરમના દરિયાકાંઠે આશરે ૧૦૦ નોટિકલ માઇલ દૂર હતું. અનેક પ્રયાસો છતાં, નબળી દૃશ્યતા અને ભારે પવનને કારણે પાઇલટને વૈકલ્પિક ઉતરાણ વ્યવસ્થા શોધવાની ફરજ પડી.

તિરુવનંતપુરમ એરપોર્ટના અધિકારીઓએ કટોકટી ઉતરાણ માટે પરવાનગી આપી, અને જેટ સુરક્ષિત રીતે નીચે ઉતર્યું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ જરૂરી કાનૂની અને પ્રક્રિયાગત મંજૂરીઓ પૂર્ણ કર્યા પછી જ ફાઇટર જેટને ઇંધણ ભરવા અને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે.