Gujarat

પતિ સહિત 5 લોકોએ દૂધ ડેરીએથી પત્નીને ઉઠાવી, 24 કલાક બાદ છોડી મૂકી

પંચમહાલના શહેરા તાલુકાના બોરડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોરડી ગામના માછી ફળિયામાં રહેતી શર્મિષ્ઠાબેન માછીનું તેમના પતિ સહિત પાંચ લોકોએ અપહરણ કર્યું છે.

18મી જૂન 2025ના રોજ સાંજે સાત વાગ્યે શર્મિષ્ઠાબેન દૂધ ડેરીએથી પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમના પતિ મહેશભાઈ કાળુભાઈ માછી, કાળુભાઈ રૂપાભાઈ માછી, અજયભાઈ સુરેશભાઈ માછી, રણજીતભાઈ ચાવડા અને દક્ષાબેન કાળુભાઈ માછી ઇક્કો ગાડીમાં આવ્યા. આરોપીઓએ શર્મિષ્ઠાબેનનું બળજબરીથી અપહરણ કર્યું.

આરોપીઓ શર્મિષ્ઠાબેનને પ્રથમ માછીયાના મુવાડા ગામે લઈ ગયા. ત્યારબાદ બાલાસિનોર અને અંબાજી તરફ લઈ ગયા. બીજા દિવસે સવારે તેમને કોઠારા અને શિહોરા ગામે લઈ જવામાં આવ્યા. શિહોરામાં તેમના પતિએ મારઝૂડ કરી અને જબરદસ્તીથી એક ખોટો વીડિયો પણ બનાવ્યો.

બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે આરોપીઓએ શર્મિષ્ઠાબેનને અગરવાડા ગામે છોડી દીધા. જેસવા ગામના દિનેશભાઈ અને અજયભાઈ તેમને શહેરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા. શર્મિષ્ઠાબેને તેમના પરિવારજનો સાથે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શહેરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.