જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ની થીમ પર આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના 1396 સ્થળોએ અંદાજે 4 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસ એ કોઈ તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે.આજે યોગના પ્રાચીન જ્ઞાનને સમગ્ર વિશ્વ એ સ્વીકાર્યું છે.અને તેથી જ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે.

યોગ થકી સ્વસ્થ સમાજની સાથે સ્વસ્થ વિશ્વનું નિર્માણ થાય છે.યોગ ટકાઉ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા આપે છે.નિયમિત યોગ દ્વારા આપણે તણાવમુક્ત રહીએ છીએ અને જીવનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે તેમ જણાવી મંત્રીએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનના મહત્વ વિશે વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું.

મંત્રી એ વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રિય પ્રયાસોને કારણે આજે આપણી યોગ વિદ્યા વૈશ્વિક સીમાડાઓ વટાવી ચુકી છે.અને આજે યોગ એ જન આંદોલન બન્યું છે.યોગને માત્ર એક દિવસ માટે સીમિત ન રાખી તેને જીવનમાં નિયમિત રીતે અપનાવવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ.,જેલ,પોલીસ, આર્મી,નેવી,એરફોર્સ,આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો

