Gujarat

આજે ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લીની 364 ગ્રામ પંચાયતમાં ચૂંટણી

મોડાસા હવામાન વિભાગે આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આજે બંને જિલ્લામાં 364 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી ગ્રામજનો સરપંચ અને સભ્ય માટે મતદાન કરશે.

સાબરકાંઠાની 238 પંચાયતની ચૂંટણીમાં આજે મતદાન યોજાશે. જેમાં 231 પંચાયતમાં સામાન્ય અને 7 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે રવિવારે મતદારો બેલેટ પેપરથી મતદાન કરીને ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.

231 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 7 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીમાં કુલ 435672 મતદારો છે. ત્યારે તંત્ર દ્વારા 6,170 લિટર અવિલોપ્ય સ્યાહીની 1234 બોટલ અપાઇ છે. અરવલ્લીમાં સામાન્ય વિભાજન સહિતની 151 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી જાહેર થઈ હતી.

જેમાંથી જિલ્લાની 17 ગ્રામ પંચાયતો સમરસ સહિત 18 ગ્રામ પંચાયતોના સરપંચ બિનહરીફ ચૂંટાઈ આવતાં જિલ્લાની 133 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી આજે રવિવારે યોજાશે. જિલ્લાની 133 ગામ પંચાયતની ચૂંટણીમાં 2,94,166 સ્ત્રી પુરુષ મતદારો મતદાન કરવાના હોવાથી ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં 423 મતદાન મથક ઉભા કર્યા છે.