ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે નશાખોરી વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે.
ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયાની ટીમને બાતમી મળી હતી કે કચ્છ હાઈવે પર આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીમાં પાર્સલ બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અને પાર્સલ લેવા આવેલા આરોપી મહેંદ્રસિંહ ઉર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજા (37, રહે. અંતરજાળ રવેચીનગર, ગાંધીધામ)ને પકડી પાડ્યો.
તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુર સ્થિત મનોહરસિંગ પ્રેમસિંગે મોકલ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી પ્લાસ્ટિકની સોફ્ટ ડ્રિંક અને વોટર બોટલોમાં ભરેલો 65.25 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
જેની કિંમત રૂ. 1.11 લાખ છે. આ ઉપરાંત રૂ. 25 હજારની કિંમતની મોટરસાઈકલ (GJ-12-EA-5250) અને રૂ. 500નો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. દારૂ મોકલનાર મનોહરસિંગની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ બનાવી છે.