વઢવાણ સુડવેલ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે પાણીના કારણે રહીશોને પડતી મુશ્કેલીઓને લઇને રોષ સાથે લોકો મનપાએ ધસી ગયા હતા.
આ પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા રજૂઆતો કરી હતી.
સુરેન્દ્રનગર–વઢવાણ શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ફરિયાદો ઊઠી રહી છે. તો બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોની પણ હાલત દિવસે દિવસે કપરી બનતી જાય છે.
ત્યારે વઢવાણ શહેરી સુડવેલ સોસાયટીમાં પણ મોટી સંખ્યામાં રહીશો વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ સોસાયટીમાં વરસાદી પાણી નહીં ઓસરતા લોકોમાં રોષ ફેલાયો હતો.
પરિણામે મહિલાઓ તેમજ પુરૂષો સહિતના રહીશો મંગળવારે મહાનગરપાલિકામાં રજૂઆત કરવા ધસી આવ્યા હતા.
આ અંગે સોસાયટીના રહીશ સાયરાબેને જણાવ્યું કે અમારા ઘર આગળ ઘણા સમયથી પાણી ભરાયું છે.
પરંતુ રજૂઆતો કરવા છતાં નિકાલ થતો નથી. જ્યારે મલેક મહમદખાને જણાવ્યું કે સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી પાયાની સુવિધાઓ થઇ નથી.
અમારી સોસાયટીની આજુબાજુ અન્ય સોસાયટીઓ બનવા લાગી છે આથી સુડવેલ સોસાયટી નીચાણમાં આવી ગઇ છે.
જ્યારે રોડના ભાગ ઊંચા આવી ગયા છે. આથી સોસાયટીમાં પાણીનો નિકાલ થઇ શકતો નથી. આ ઉપરાંત શાળાની આજુબાજુ પણ પાણી ભરાઇ રહ્યા છે.
આથી પાણીના જમાવડાના કારણે બાળકો પણ હવે શાળાએ જવાનું ટાળી રહ્યા છે. વરસાદી સહિતના ગંદા પાણીના ભરાવાના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
આથી પાણીનો નિકાલ થાય અને રોડ ઊંચા આવે તેવી તેમજ ગટર અને રસ્તાની સુવિધાઓ કરવામાં આવે તેવી અમારી માંગ છે.