કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ દિવસે લખપત તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી કચ્છીમાણુઓમાં આનંદનું વાતાવરણ છવાયું છે. જિલ્લાના આકાશમાં વાદળોની આવક થઈ છે.
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. દયાપરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે પવનને કારણે બસ સ્ટેશન વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે.

તાલુકાના માતાના મઢ, દોલતપર, ઘડુલી, નાની વિરાણી, પાનધ્રો, નારાયણ સરોવર, પીપર, બરંદા અને મેઘપર નરા સહિતના વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ગામની શેરીઓ અને માર્ગો પરથી પાણી વહી નીકળ્યા છે.
પૂર્વ રાત્રિએ અબડાસા તાલુકાના નલિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદ થયો છે. નખત્રાણા તાલુકાના વિથોન અને આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
ભુજ શહેરમાં રાત્રિએ સામાન્ય છાંટણા પડ્યા છે. રેલવે સ્ટેશન માર્ગે કીચડ અને ખાડાઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.