નડિયાદ શહેરમાં વોર્ડ નંબર 4,5,6 પરત્વે તત્કાલીન નગરપાલિકા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા પણ ઓરમાયું વર્તન દાખવી પાયાની સુવિધાઓ પણ આપવામાં આવી રહી ન હોવાના આક્રોશ સાથે આ વિસ્તારના રહીશો દ્વારા આ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી જઈને નગરપાલિકા ચોર છે ના સૂત્રોચ્ચાર સાથે ડેપ્યુટી કમિશ્નરનો ઘેરાવો કર્યો હતો.
નડિયાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 4, 5, 6 માં બિસ્માર રસ્તાને કારણે રહીશોને છેલ્લા અનેક વર્ષોથી પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતે સ્થાનિકો ઉપરાંત સભ્યો દ્વારા પણ તત્કાલીન નગરપાલિકા અને મહાનગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી.
આ ઉપરાંત આ વિસ્તારમાં નિયમિત સફાઈ તેમજ ઉભરાતી ગટરોની મરામત પણ કરવામાં આવતી ન હોવાને કારણે આ વિસ્તારના રહીશોને કાયમી ધોરણે નર્કાગારની સ્થિતિમાં જ રહેવાનો વારો આવે છે.
આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની પણ સમસ્યાને કારણે રહીશોને હાલાકી ભોગવવી પડે છે.
આ બાબતે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવાછતાં પણ તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ જ પગલાં ભરવામાં આવતા ન હોવાને લઈને રહીશોમાં તંત્ર પરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુરુવારે બપોરના સમયે વોર્ડ નંબર 4,5,6 ના 500થી વધુ રહીશો મનપા ભવન પહોંચ્યા હતા અને ત્યાં ભારે સૂત્રોચ્ચાર કરીને ડેપ્યુટી કમિશ્નરનો ઘેરાવો કર્યો હતો.
સમગ્ર રજૂઆતને ધ્યાને લીધા બાદ ડેપ્યુટી કમિશ્નર દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.
તળાવોમાંથી જળચર પ્રાણીઓ ઘરમાં ઘૂસે છે આ વિસ્તારમાં આવેલા તળાવમાંથી વરસાદ આવે કે તરત જ પાણી છલકાઈ જતું હોવાને કારણે જળચર પ્રાણીઓ આસપાસ રહેતા લોકોના ઘરોમાં ઘુસી આવે છે.
તંત્ર દ્વારા તળાવોને ઊંડા કરવામાં આવે તેમજ સુરક્ષા દિવાલ બનાવી આપવામાં આવે તેવી માંગ પણ રહીશો દ્વારા કરવામાં આવી હતી.
પાણીના નિકાલની લાઈન ચોકઅપ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની લાઈન પણ ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે પાણી ઓસરતા નથી, જેને કારણે રોગચાળો ફેલાવવાની ભિતી પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.