દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બે દિવસના બફારા બાદ આજે સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ કલ્યાણપુર વિસ્તારમાં સૌથી વધુ નોંધાયો છે.
કલ્યાણપુર તાલુકામાં સાંજ સુધીમાં સાડા ત્રણ ઈંચ (81 મિલીમીટર) વરસાદ પડ્યો છે. કલ્યાણપુરના દેવળિયા, રાજપરા, ચુર, પટેલકા અને દુધિયા સહિતના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા.
દ્વારકા પંથકમાં સાંજે એક ઈંચ (22 મિલીમીટર) વરસાદ નોંધાયો છે. ભાણવડ તાલુકામાં બપોરે 2 થી 4 દરમિયાન 14 મિલીમીટર વરસાદ પડ્યો છે. ખંભાળિયા વિસ્તારમાં દિવસ દરમિયાન હળવા ઝાપટાં ચાલુ રહ્યા હતા. સાંજ સુધીમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે.