યાત્રાધામ ડાકોરમાં પુષ્યનક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની 253મી રથયાત્રા આજે શનિવારે નીકળી છે. પંરપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાત ભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટે છે.
આજે ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા 9 કીમીના રૂટ પર ફરી ભગવાન ભક્તોના દ્વારે પહોંચી દર્શન આપે છે. આ પ્રસંગે ભક્તો પણ હરખાયા છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આજે શનીવારે સવારે 9 કલાકે ચાંદીથી સજાયેલા રથમાં ભગવાનને બીરાજમાન કરાયા હતા. આ પહેલા શાસ્ત્રોક્ત રીતે પૂજન, અર્ચન પણ કરાયું હતું. મંદિરના ઘુમ્મટમાં ચાંદીના રથનું અધિવેશન કરી ઠાકોરજીને બીરાજમાન કરાયા હતા.
ગોમતીની પ્રદક્ષિણા કરી મોડી સાંજે નીજ મંદિરે ભગવાન પરત ફરશે. એ બાદ ભગવાનની ઇડીપીડની વિધી કરવામાં આવશે.

આ બાદ ભાવિકો દ્વારા રથ ખેંચીને મંદિરની પરંપરા મુજબ પરિસરમાં કુંજોમાં ગોપાલલાજીને બેસાડી ફણગાયેલા મગ, કેરી, જાંબુ, સાકરનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
ભગવાનને સુખપાલમા બેસાડી મંદિર બહાર જોતરે જોડેલા ચાંદીના રથમાં બેસાડીને નક્કી કરેલા રૂટ પર રથયાત્રા નીકળી હતી.
આ સમયે હજારો ભક્તોનું ઘોડાપૂર રથયાત્રામાં સામેલ થયું હતું અને ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર ડાકોર ગૂંજી ઉઠ્યું છે.
આ રથયાત્રામાં ઢોલ નગારા, ભજન મંડળીઓ, કરતબબાજોની હાજરી પણ જોવા મળી છે.

રથયાત્રાનો રૂટ જોઈએ તો, મંદિરથી નીકળી ગૌશાળા, લાલબાગ, રાધાકુંડ, મોખાતળાવડી, ગાયોના વાડો ત્યાંથી રણછોડપુરા બેઠકે ત્યાંથી નીકળી માખણિયા આરે, કેવડેશ્વર મહાદેવ થઈને નીજ મંદિરે પરત આવશે.
આમ ગોમતીની પ્રદક્ષિણા કરી આ રથયાત્રા પરત આવશે. મંદિરે આવ્યા બાદ ઠાકોરજીની આરતી ઉતારવામાં આવશે.
પછી મંદિરમાં ગોપાલલાલજીને લઈને નીજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે અને પછી નિત્યક્રમ મુજબ મંદિરમાં ઠાકોરજીને ભોગ ધરાવામાં આવશે સઘડી ભોગ ધરાવ્યા બાદ પોઢાડી દેવામાં આવશે. આમ ભવ્ય ઠાઠ સાથે ઠાકોરજીની રથયાત્રા નીકળતા ભક્તો પણ હરખાયા છે.

આ રથયાત્રામાં પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે. જેમાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે હેતુસર પોલીસની ટુકડીઓની સાથે સાથે એસઆરપી જવાનો પણ તૈનાત કરાયા છે અને પોલીસે ડ્રોન કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા દ્વારા સતત રથયાત્રાનું મોનિટરીંગ કરી રહી છે.