Gujarat

બાલવાટિકા અને ધોરણ 1માં 16 બાળકોને પ્રવેશ, શૈક્ષણિક કીટનું વિતરણ

શહેરા તાલુકાની નાડા અને દલવાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નાડા મુખ્ય પ્રાથમિક શાળામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર રાજેન્દ્ર પટેલ અને CRC કો-ઓર્ડિનેટર જયપાલસિંહ બારિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

દલવાડા પ્રાથમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની હાજરીમાં બાલવાટિકામાં 14 અને ધોરણ 1માં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. તમામ બાળકોને કંકુનું તિલક કરી શૈક્ષણિક કીટ અને બેગનું વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં વાલીઓ, SMC સભ્યો, આંગણવાડી કાર્યકર્તાઓ અને આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. CRC કો-ઓર્ડિનેટર ગોવિંદભાઈ ભોઈએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી અને વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી.

શાળાના શિક્ષક બાબુભાઈ પટેલે શાળાની પ્રવૃત્તિઓની માહિતી આપી. તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે શાળાની કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું.

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વાલીઓને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો. SMC સભ્યો સાથે બેઠક યોજી શાળાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી. ‘મેરા વિદ્યાલય મેરા તીર્થ’ અંતર્ગત શાળાને તીર્થ સમાન બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.