જો તમે પક્ષીઓ જોવાના શોખીન હોય તો દર શનિ-રવિ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી જજો. સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓને જોવા માટે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ફ્રીમાં બર્ડ વોચિંગ કરાવવાનું આયોજન કર્યું છે. રિવરફ્રન્ટના ચાર લોકેશન ઉપરથી ખાસ બર્ડ વોચરની ટીમ દ્વારા લોકોને ટેલિસ્કોપ અને કેમેરાની મદદથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ બતાવવામાં આવશે.
અમદાવાદમાં સૌપ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચે આવેલા બાયોડાઇવર્સિટી પાર્ક ખાતેથી બર્ડ વોચિંગની આગામી 5 જુલાઈથી શરૂઆત કરવામાં આવશે. પક્ષીઓ જોવા માટે ગુગલ ફોર્મ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અમદાવાદ શહેરમાં અનેક જાતિના પક્ષીઓ આવેલા હોય છે.
ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં સવારે અને સાંજે પક્ષીઓ આવતા હોય છે. શહેરની સુંદરતામાં વધારો કરતા આવા પક્ષીઓની લોકો સુધી માહિતી પહોંચે તેના માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકો પક્ષીઓ જોઈ શકે તેના માટે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશે. ખાસ બોર્ડ વોચરના નિષ્ણાંતો દ્વારા ટેલિસ્કોપ, દૂરબીન, કેમેરા અને પક્ષીઓની માહિતી આપતી હેન્ડબૂક લોકોને આપવામાં આવશે.