Gujarat

ટેન્કર રોડની નીચે ઉતરી ગયું, ડ્રાઈવરનો આબાદ બચાવ

સુરત કામરેજના ઘલાથી કરજણ તરફના માર્ગે એક મોટી દુર્ઘટના ટળી છે. કરજણ પાટીયા પાસે દૂધ ભરેલું ટેન્કર બેકાબૂ બની સામેના રોડ પર જઈને નીચે ઉતરી ગયું હતું.

ટેન્કર નંબર GJ21Y-4963 બૌધાન તરફથી ઘલા પાટીયા નેશનલ હાઈવે નંબર 48 તરફ જઈ રહ્યું હતું. કરજણ ચોકડી પાસેના પાટીયા નજીક બમ્પ કૂદાવતા ટેન્કર બેકાબૂ બન્યું હતું. આ બેકાબૂ ટેન્કર સામેના ટ્રેક વાળા રોડની નીચે ઉતરીને નાળા પાસેના શેરડીના શેઢા સુધી પહોંચી ગયું હતું.

અકસ્માતમાં ટેન્કરનું આગળનું વ્હીલ છૂટું પડી ગયું હતું. સાથે જ આગળની કેબિનનો કાચ પણ તૂટી ગયો હતો. ઘલા-કરજણ રોડ વાહન વ્યવહારથી સતત ધમધમતો રહે છે. આ માર્ગ પર બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી.