લુધિયાણા પશ્ચિમના નવા ચૂંટાયેલા ધારાસભ્ય સંજીવ અરોરાએ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ લીધા. ચંદીગઢના રાજભવનમાં આયોજિત એક સમારોહ દરમિયાન રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા દ્વારા અરોરાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માન, કેબિનેટ મંત્રીઓ અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. અરોરાના સમાવેશ સાથે, મંત્રીમંડળની સંખ્યા મુખ્યમંત્રી સહિત ૧૭ થઈ ગઈ છે.
અરોરા ૧૯ જૂનના રોજ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુને હરાવીને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જાન્યુઆરીમાં છછઁ ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાન બાદ આ પેટાચૂંટણી જરૂરી બની હતી.
સંજીવ અરોરા કોણ છે?
૬૧ વર્ષીય સંજીવ અરોરા લુધિયાણા સ્થિત એક ઉદ્યોગપતિ છે અને અગાઉ નિકાસ ક્ષેત્રે કાર્યરત હતા. તેમણે ૧૦ એપ્રિલ, ૨૦૨૨ થી ૧ જુલાઈ, ૨૦૨૫ સુધી રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપી હતી. પહેલી વાર સાંસદ બનેલા અરોરા પંજાબમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ ૯ એપ્રિલ, ૨૦૨૮ સુધીનો હતો.
અરોરાએ ૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ પંજાબના લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારની વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાના સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. ૧૯ જૂનના રોજ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીમાં અરોરાએ કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુને ૧૦,૬૩૭ મતોના માર્જિનથી હરાવ્યા હતા. અરોરાને ૩૫,૧૭૯ મત મળ્યા હતા, જ્યારે આશુને ૨૪,૫૪૨ મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના જીવણ ગુપ્તાને ૨૦,૩૨૩ મત મળ્યા હતા અને શિરોમણી અકાલી દળ (એસએડી) ના ઉમેદવાર પરુપકાર સિંહ ખુમાણને ૮,૨૦૩ મત મળ્યા હતા.
અરોરા લુધિયાણામાં દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઉપપ્રમુખ પણ છે અને અગાઉ પંજાબ ક્રિકેટ એસોસિએશનના એપેક્સ કાઉન્સિલમાં હતા. તેમણે લુધિયાણામાં સતલજ ક્લબના સેક્રેટરી તરીકે સતત બે ટર્મ સેવા આપી છે અને દરેસીમાં વેદ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે.

