અમદાવાદ ગ્રામ્ય એલસીબીને એક મોટી સફળતા મળી છે, જેમાં સચાણા હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલ્યો છે અને લૂંટના ગુનામાં સંડોવાયેલ ગેડીયા ગેંગના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હઝરત ઉર્ફે હજુ ગેડીયા અને લાલશા ફકીરની એલસીબીની ટીમે ધરપકડ કરી છે. જ્યારે લુંટમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાવ અંગેની હકીકત એવી છે કે એક અઠવાડિયા પહેલા સચાણા હાઈવે પર ટ્રક ચાલકને માર મારી ૭૦ લીટર ડીઝલની લૂંટ ચલાવાઈ હતી. જે અંગે વિરમગામ રૂરલ પોલીસે ગુનો નોંધાયો હતો. મહત્વનું છે કે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી કાર કબજે કરાઈ છે.
પોલીસ દ્વારા ઝડપાયેલા બંને આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે બંને આરોપી ગેડીયા ગેંગ સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત આરોપી હઝરત અગાઉ ૭૨ જેટલા ગુનામા સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે અને લાલશા ફકીર હથિયારના બે ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ વધુ તપાસ માટે બંને આરોપીને વિરમગામ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપી વિરુદ્ધ અગાઉ ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોપીઓ દ્વારા વાહન ચાલકને માર મારી ડીઝલ લુંટવાના ગુનામાં હજુ બે આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ પોલીસ માટે તપાસનો વિષય એ છે કે આખરે શા માટે ડીઝલની લુંટ કરવી પડી, પોલીસ તપાસ કરી રહી છે કે કોઈ ચોરીની ગાડી માટે ડીઝલની જરુર હતી કે કોઈ ગુનાને અંજામ આપી ભાગવા માટે જરુર હતી અથવા કોઈ અન્ય કારણ જવાબદાર છે. જે મુદ્દે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ કરવામાં આવશે.

