Gujarat

રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કર્યા

ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને આપના ધારાસભ્ય વચ્ચે લાફા મારવા પર વિવાદ

ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો જે પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રવિવારે તેમને રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાના ૫ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જાેકે, કોર્ટે આ માંગણીને નામંજૂર કરી દીધી હતી.

રાજપીપળા કોર્ટે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરી દીધી છે. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવી પડશે. હાલ, ચૈતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. સોમવારે (૭ જુલાઈ) એ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે.

નોંધનીય છે કે, ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલાં પણ રાજકીય નાટક જાેવા મળ્યું હતું. જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. હકીકતમાં, પોલીસે AAPના નેતા ગોપાલ ઇટાલિયા, કાર્યકરો અને મીડિયાને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો. આ ઘટના અંગે AAPના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “પોલીસ કાયદાનું માને કે ભાજપનું? કોર્ટ પ્રજાની છે, ભાજપની નહીં” તેમણે ઉમેર્યું હતું કે, “અદાલતમાં કોઈ પણ માણસ જઈ શકે, ખુલ્લી અદાલત છે.” પોલીસે કોર્ટનો ગેટ બંધ કરી લોકોને અને મીડિયાને અંદર જતા રોક્યા હતા, જેને લઈને પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી.

આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.