Gujarat

ગુજરાતના ૨૦૪ તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ભિલોડામાં ૬.૬ ઈંચ

સમગ્ર ગુજરાતમાં ‘રેઈની સન્ડે’

સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ જામ્યો છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે, જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં ૫૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં મેઘમેહર જાેવા મળી રહ્યો છે. પરંતુ, ઘણી જગ્યાએ વરસાદ આફત બની રહ્યો છે. આવી સ્થિતિમાં, છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સૌથી વધુ ૬.૬ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં ૪.૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધરમપુરમાં ૪.૪૫ ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ૪.૪૮ ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૪ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ૬.૬ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તાપીના વ્યારામાં ૫.૫૫ ઇંચ, ડોલવણમાં ૫.૩૧ ઇંચ, સુરતના પલસાણામાં ૪.૯૨ ઇંચ, વલસાડના કપરાડામાં ૪.૮૪ ઇંચ, તાપીના સોનગઢમાં ૪.૬૫ ઇંચ, સુરત સિટીમાં ૪.૫૭ ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં ૪૨ તાલુકામાં ૨ થી ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અરવલ્લીના ભિલોડામાં છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬.૬ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નદીના નીરમાં નવી આવક થઈ છે. આ સિવાય ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. અરવલ્લીના મોડાસા બાજુ અચાનક પાણીની આવક થતા ૩૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મોડાસા શહેર સહિત તાલુકાના ૧૬ ગામડાઓ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય ધનસુરા તાલુકાના ૧૩ તેમજ બાયડના ૧૧ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ સિવાય સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ ભારે વરસાદ જાેવા મળ્યો હતો. લીંબડી અને તેના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કમાલપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન કમાલપુર ગામને જાેડતા મુખ્ય રસ્તાઓ પર આવી જ પરિસ્થિતિ સર્જાય છે. દ્વારકામાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાય છે. જેમાં કલ્યાણપુર તાલુકાના સૂર્યવદર ગામના ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા. મુશળધાર વરસાદને કારણે સાની નદીના પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતા. જેના કારણે ઘણા ગામો સંપર્કવિહોણા બની ગયા છે.

દક્ષિણ ગુજરાતના તાપીની વાત કરીએ તો તાપીના વ્યારામાં સૌથી વધુ ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. વ્યારાના જેતપુર મેદાવને જાેડતો લો લેવલ કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે વ્યારામાં ૧૦, વાલોડના ૨, સોનગઢના ૧૧ અને ડોલવણના ૨ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. તાપીમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, ઝાખરી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રવિવારે (૬ જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં જાેરદાર વરસાદ વરસ્યો હતો. જેમાં મણિનગર, નિકોલ, સેટેલાઇટ, જાેધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર, મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ (સાયક્લોનિક સર્ક્યુલેશન) સક્રિય થઈ છે, જેના કારણે આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

વળી, બીજી બાજુ દ્વારકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જેમાં કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે સાની નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણ બન્યા છે.