અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટીની નામના આપવામાં આવી છે, પરંતુ આ સ્માર્ટ સિટીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનામાં રહેતા 2000 લોકો આજે પણ ગટરના ગંદા પાણીની વચ્ચે જીવી રહ્યા છે. ખાવા અને પીવા માટેનું પાણી ભરવા માટે ગટર અને કેમિકલયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.
લોકો પોતાના હાથમાં બેડા, પાણીની ડોલ સહિતની વસ્તુઓ લઈને ગોઠણ સુધીના ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને પીવાનું પાણી ભરવા જાય છે. છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપની સત્તા હોવા છતાં પણ મધુમાલતી આવાસ યોજનાના લોકોની સમસ્યાનો નિકાલ થઈ શક્યો નથી. શહેરના નિકોલ વિસ્તારમાં કઠવાડા નજીક ઔડા દ્વારા બનાવવામાં આવેલાં મધુમાલતી આવાસ યોજનાનાં મકાનો આવેલાં છે, જેમાં 2000 જેટલા લોકો રહે છે.
છેલ્લાં 10 વર્ષથી નિકોલ મધુમાલતી આવાસ યોજનામાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા થાય છે. બે ઇંચથી વધુ વરસાદ પડે એટલે આખા મધુમાલતીમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે. લોકોને બહાર જવામાં પણ તકલીફ પડે છે. હવે વગર વરસાદે પણ મધુમાલથી આવાસ યોજનામાં ગટર અને કેમિકલવાળા ગંદા પાણી ભરાઈ જાય છે.
આસપાસના ગટરના અને ફેક્ટરીઓ તેમજ અન્ય કેમિકલ યુનિટ દ્વારા ગટરમાં ગેરકાયદે કનેક્શન કરી લેવામાં આવ્યાં છે, જેના કારણે તેના છોડાતા ગંદા પાણી ઊભરાઈને સીધા મધુમાલતીમાં આવાસમાં જાય છે.