સુરતના ઉત્રાણ વિસ્તારમાં 6 દિવસ પહેલા ગુમ થયેલા કાપડનાનો અબ્રામા ગામ ખાતે ઝાડી ઝાખરીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે તેના મોત અંગે શંકા કુશંકાઓ સેવાય રહી છે. જેથી સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યો હતો.
જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણ ખાતે ઉમરાગામમાં મારુતિ ધામ સોસાયટીમાં 47 વર્ષીય રશ્મિક બાવચંદ પેથાણી પરિવાર સાથે રહેતા હતા. રશમીકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. રશમીક મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં આવેલા નવાગામના વતની હતા. વરાછાના લંબે હનુમાન રોડ પર ગારમેન્ટની દુકાન ચલાવતા હતા.
રશ્મિકભાઈ પેથાણી છ દિવસ પહેલા સાંજે દુકાનેથી સામાન લેવા જવાનું કહીને નીકળ્યા હતા. બાદમાં મોડી રાત સુધી તે ઘરે પરત આવ્યા ન હતા. જેથી તેમના પરિવાર સહિતના વ્યક્તિઓએ તેમની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન 6 દિવસ બાદ તેમનો અબ્રામાગામ ખાતે રેલ્વે ગરનાળા પાસે ઝાડી ઝાખરી માંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેના મોત અંગે શંકા કુશાંકાઓ સેવાઈ રહી છે.