Gujarat

રાજકોટની ખાનગી સ્કૂલો સામે વિદ્યાર્થી નેતાનો આક્રોશ, શિક્ષણ તંત્રની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલો

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના બોજને હળવો કરવા અને બાળપણને વધુ આનંદમય બનાવવાના ઉમદા હેતુથી દર શનિવારે પ્રાથમિક સ્કૂલોમાં ‘બેગલેસ ડે’ (દફ્તરમુક્ત દિવસ) પાળવા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે બાળકો શનિવારે પુસ્તકોના ભાર વિના શાળાએ આવે, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ મેળવે, રમતગમત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય.

જોકે, રાજકોટની અનેક મોટી ખાનગી સ્કૂલો દ્વારા આ પરિપત્રનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેની સામે આમ આદમી પાર્ટીનાં વિદ્યાર્થી નેતાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ ગત અઠવાડિયે આ પરિપત્રના અમલ અંગે કડક સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

તેમ છતાં, આજે (12 જુલાઈ, 2025) પણ રાજકોટની નામાંકિત ખાનગી શાળાઓ જેવી કે મોદી સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, પોદાર સ્કૂલ સહિતની અનેક શાળાઓમાં પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને રાબેતા મુજબ પુસ્તકો ભરેલા દફ્તર સાથે શાળાએ બોલાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ શાળાઓમાં સામાન્ય દિવસોની જેમ જ નિયમિત વર્ગખંડ શિક્ષણ કાર્ય પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ‘બેગલેસ ડે’નો હેતુ સંપૂર્ણપણે અવગણીને શાળાઓએ પોતાની મનમાની ચલાવી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.