ભરૂચ જિલ્લામાં ૧૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈ તથા સેક્રેટરી પી.પી.મોકાશીના નેતૃત્વમાં લોક અદાલતનો પ્રારંભ થયો. અદાલતમાં કુલ ૩૮,૩૨૦ પેન્ડિંગ અને પ્રી-લિટીગેશન કેસો રજૂ કરવામાં આવ્યા. એક જ દિવસમાં ૨૩,૫૫૯ કેસોનો નિકાલ લાવવામાં આવ્યો. આ કેસોમાં રૂ.૨૪,૮૬,૧૨,૬૪૬ની સેટલમેન્ટ રકમનો સમાધાનથી ઉકેલ આવ્યો.
૧૦ વર્ષથી વધુ જૂના ૧૦ કેસોમાં પણ પક્ષકારો વચ્ચે સફળ સમાધાન થયું. જિલ્લાના તમામ કોર્ટ પરિસરોમાં કાનૂની જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. તાલુકા કાનૂની સેવા સમિતિઓએ લોકોને તેમના કાનૂની અધિકારો અંગે માહિતગાર કર્યા. લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલ બારના હોદેદારો, સરકારી વકીલો, ન્યાયખાતાના કર્મચારીઓ, ડીજીવીસીએલ, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓના અધિકારીઓએ હાજરી આપી.