વીર સૈનિકોના પરિવારોને સન્માનવા રાજકોટમાં
સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન
પાંચ શહીદ જવાનોના પરિવારો ને રૂપિયા બે-બે લાખની ભેટ અર્પણ થશે.
સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને જય જવાન નાગરિક સમિતિ
સુરતના સંયુક્ત ઉપક્રમે શનિવારે આયોજન
રાજકોટ શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે વીર સૈનિકોના પરિવારોને સન્માન સાથે આર્થિક ભેટ આપવા કાર્યક્રમનું આયોજન થયું છે. કારગીલ વિજયદિન ઉજવણી નિમિત્તે તારીખ ૧૨-૦૭-૨૦૨૫, શનિવારે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે બપોરે ૨ કલાકે સમર્પણ ગૌરવ સમારોહ યોજાનાર છે. રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં કુલ ૫ જવાનોના પરિવારોનું જાહેર અભિવાદન અને સાથે રૂપિયા બે બે લાખ આર્થિક ભેટ અર્પણ કરવામાં આવનાર છે. કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને ગુજરાત ભારતીય જનતાના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબ, રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ભાલાળા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ડો. ભરતભાઈ બોઘરા સમારોહનું ઉદઘાટન કરનાર છે.મોટી સંખ્યામાં રાજસ્વી તથા દાતા અને અગ્રણી મહાનુભાવોની હાજરીમાં રાષ્ટ્રીય ચેતના સભર સમર્પણ ગૌરવ સમારોહ યોજાનાર છે. રાજકોટના દાતાશ્રીઓએ રાષ્ટ્ર ભાવના સાથે દાન કર્યું છે.કારગીલ યુદ્ધ ૧૯૯૯ થી જય જવાન નાગરિક સમિતિ, સુરત કાર્યરત છે. હવે રાજકોટ જોડાયું છે.૧૯૯૯ના કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના ૫૨૪ જવાનોના બલિદાન પછી જીત થઈ છે. ત્યારથી દર વર્ષ ૨૬મી જુલાઈના રોજ રાષ્ટ્રમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ દરમિયાન વીર જવાનોના પરિવારોને હિંમત, સન્માન અને આર્થિક સહાયતા મળી રહે તે માટે સુરતમાં જય જવાન નાગરિક સમિતિ સુરતની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી છેલ્લા ૨૬ વર્ષથી સંસ્થા વીર શહીદ જવાનોના પરિવારોને અભિવાદન સાથે આર્થિક ભેટ અર્પણ કરવાનું કાર્ય કરી રહી છે. અત્યાર સુધી ૨૬ વર્ષમાં કુલ ૪૨૫ વીર જવાનોના પરિવારોને રૂપિયા ૬.૭૦ કરોડની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે.
જય જવાન નાગરિક સમિતિ સુરતની સાથે રાજકોટની પર્યાવરણ અને માનવસેવા માટે અગ્રેસર સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા પણ જોડાય છે. ગત વર્ષે પણ આયોજન થયું હતું. રાજકોટથી શ્રી વિજયભાઈ ડોબરીયા, ડૉ. દિનેશભાઈ ચોવટીયા, શ્રી વસંતભાઈ લીંબાસીયા, શ્રી પરશોતમભાઈ કમાણી અને શ્રી રાજુભાઈ રૂપાપરા વગેરે મહાનુભાવ આ પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયા છે. રાજકોટના દાતાશ્રીઓએ ઉમદાભાવથી આપેલ રાશી માંથી આ વર્ષે ૫ પરિવારોને કુલ ૧૦ લાખની ભેટ અર્પણ થનાર છે.
આ સમર્પણ ગૌરવ સમરોહ સુરતથી જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ભાલાળા, શ્રી સવજીભાઈ વેકરીયા, શ્રી હરિભાઈ કથીરિયા, શ્રી ભવાનભાઈ નવાપરા, શ્રી કાંતિભાઈ મારકણા તથા જે. કે. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. જય જવાન નાગરિક સમિતિ તરફથી આ વર્ષે ગુજરાતના ૩૦ સહિત કુલ ૪૨ વીર જવાનોના પરિવારોને કુલ ૮૪ લાખ રૂપિયાની ભેટ અર્પણ થશે તે પૈકી પાંચ જવાનોના પરિવારો રાજકોટ ખાતે સમર્પણ ગૌરવ સમારોહમાં સન્માનિત થનાર છે. રાજકોટની જનતાને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રિપોર્ટ નટવરલાલ ભાતિયા