International

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પોલીસ સ્ટેશન પર એક મહિનામાં પાંચમો ડ્રોન હુમલો

પાકિસ્તાનમાં ફરી એક વાર અશાંતિ અને ડર નો માહોલ

પાકિસ્તાનના અશાંત ગણવામાં આવતા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ ડ્રોન હુમલો કર્યો હતો, જે એક મહિનામાં તે જ સ્ટેશન પર પાંચમો ડ્રોન હુમલો છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.

શનિવારે બન્નુ જિલ્લામાં આવેલા મિરયાન પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ દારૂગોળો ફેંક્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ફરજ પરના અધિકારીઓને કોઈ ઈજા થઈ નથી, કે ઇમારતને કોઈ નુકસાન થયું નથી. તેમણે ઉમેર્યું કે, ઊંચા ઉડતા ઉપકરણને તોડી પાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

આ હુમલા મામલે પોલીસે જણાવ્યું હતું કે, એક મહિનામાં આ જ પોલીસ સ્ટેશન પર પાંચમો ક્વોડકોપ્ટર હુમલો છે.

અધિકારીઓએ આ ડ્રોન હુમલાઓના પુનરાવર્તનને અફઘાનિસ્તાનની સરહદે આવેલા અશાંત પ્રદેશમાં આતંકવાદીઓ દ્વારા “અદ્યતન ક્વોડકોપ્ટર ટેકનોલોજી”નો ઉપયોગ વધી રહ્યો હોવાના પુરાવા તરીકે વર્ણવ્યું હતું.

હાલમાં એક વ્યાપક શોધખોળ કામગીરી ચાલી રહી છે, અને બન્નુમાં સુરક્ષા વ્યવસ્થા નોંધપાત્ર રીતે કડક કરવામાં આવી છે.

શુક્રવારે મોડી રાત્રે લક્કી મારવત જિલ્લામાં સેરાઈ ગામ્બિલા પોલીસ સ્ટેશન પર થયેલા એક અલગ બંદૂક હુમલા પછી બન્નુની ઘટના બની છે.

લગભગ એક ડઝન સશસ્ત્ર આતંકવાદીઓએ હળવા અને ભારે બંને પ્રકારના હથિયારો સાથે હુમલો કરતા પહેલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. જાેકે, પોલીસ તરફથી ભારે ગોળીબારથી હુમલાખોરો ભાગી ગયા હતા.

કોઈ જાનહાનિ થઈ ન હતી.

પેશાવર-કરાચી હાઇવે પર ગામ્બિલા નદી કિનારે આવેલા સેરાઈ ગામ્બિલા પોલીસ સ્ટેશન પર ભૂતકાળમાં આતંકવાદીઓ દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે.

છેલ્લા એક વર્ષમાં, ખૈબર પખ્તુનખ્વામાં અનેક હુમલાઓમાં રિમોટલી સંચાલિત ક્વોડકોપ્ટર દ્વારા વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા છે. સૈન્યએ આ યુક્તિઓને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ને જવાબદાર ગણાવી છે.