પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરમાં નવનિર્માણ વિદ્યામંદિર ખાતે ઉમાશંકર જોશી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી..
*ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાયા*
રાધનપુર મસાલી રોડ ખાતે આવેલ નવનિર્માણ વિદ્યામંદિર ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વઢિયાર સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત અતિથિઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેરક ડૉ. ભાગ્યશાહ, મુખ્ય અતિથિ નિકુલસિંહ વાઘેલા (નાયબ મામલતદાર, રાધનપુર), તેમજ વક્તા તરીકે લાભુદાન ગઢવી અને મેહુલ જોશીએ ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્યકાળ પર પોતાની વાત રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શૈલેષ પંચાલ અને હેમબા ગઢવીએ સંભાળ્યું હતું, જ્યારે શાળાના આચાર્ય કલ્પેશભાઈ સોલંકી તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના જીવન અને રચનાઓ પર આધારિત ભાવસભર કાવ્ય અને ગીતો રજૂ કર્યા હતા, જેમાં “ભૂમિયા વિના ભમવાતા ડુંગરા” જેવી રચનાઓએ સૌનું દિલ જીતી લીધું.
આ પ્રસંગે સાહિત્યકાર લાભુદાનભાઈએ આભારવિધીમાં જણાવ્યું કે, “આવા કાર્યક્રમો થકી બાળકોમાં ભાષા પ્રત્યે પ્રેમ ઊભો થાય છે અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ જળવાઈ રહે છે.”
ઉમાશંકર જોશી – એક મૂર્ધન્ય કવિ, વિચારક અને સાહિત્યકાર – જેમણે ‘નિશિત’ જેવી કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવ્યો હતો, તેમનાં પુસ્તક જીવન તથા તેમના વિચારો આજની પેઢી માટે પણ પ્રેરણારૂપ છે.