‘જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષયે બે દિવસીય સેમિનારમાં ૩૦૪ રજીસ્ટ્રેશન સમગ્ર દેશમાંથી ઉપસ્થિત ૨૯૩ સંશોધકો અને અધ્યાપકોએ ૨૪૩ સંશોધન પેપર કર્યા રજૂ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં સોશ્યોલોજી અને સોશ્યલવર્ક ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ સાયન્સ રીચર્સ નવિદિલ્હીનાં સહયોગથી ‘જનજાતિય સંસ્કૃતિ, વારસો અને સ્વદેશી પ્રથાઓ’ વિષય પર બે દિવસીય જનજાતિય ગૌરવ રાષ્ટ્રીય સેમિનારનો સમાપન સમારોહ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલગુરૂ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણની અધ્યક્ષતા સંપન્ન થયો હતો. બે દિવસમાં સ્પેશ્યલ સેસન સહિત કુલ આઠ સેસન અને એક ઓપન પેનલમાં સેમિનારમાં સંશોધકોનાં રજુ કરાયેલ શોધપત્રો મંથન થયા હતા. જેમાં વિષય નિષ્ણાંતશ્રીઓએ ચાવીરૂપ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
સમાપન સમારોહ બેઠકનાં અધ્યક્ષીય ઉદબોધનમાં ઉપસ્થિત સમાજશાસ્ત્રી તજજ્ઞો, પ્રાધપકશ્રીઓ, શોધ સ્કોલર્સ, સમાજશાસ્ત્ર વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે વિકાસ-વૃધ્ધિ- સમૃધ્ધી અને પ્રગતીનાં માપદંડમાં સૈા સુખી તો હું પણ સુખીની વિભાવના આજે એટલી જ પ્રસ્તુત બની રહી છે.આપણી સંસ્કૃતિ પરોપકારની વાત શીખવે છે. આદિજાતિ સંસ્કૃતિ ઇતિહાસને ઓળખી તેનો પ્રચાર-પ્રસાર થાય અને સમાજનાં જ્ઞાન સાથે જોડાણ થાય તે જરૂરી છે. આજનાં યુવા શિક્ષકો તેનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક બને તે જરૂરી છે. પ્રો. પ્રતાપસિંહજીએ યુનિ.નાં કોઇપણ સંશોધકને કોઇપણ પ્રકારની મુશ્કેલી કે અગવડતા વર્તાતી હોય તો નિઃસંકોચ પણે પોતાની વાત કૂલપતિ સમક્ષ રજુ કરવા જણાવી કહ્યુ કે યુનિ.નું વાતાવરણ ભયમુક્ત હશે, જેનાથી મુક્ત મને ચર્ચા રજુઆત કરી શકાશે, ફરિયાદ કરનાર કદાપી દુર્બળ ના હોઇ શકે,શિક્ષક કદાપી દુર્બળ છાત્રનું સર્જન ના કરે,ગરીબ વિદ્યાર્થીનાં કલ્યાણ માટે કામ કરતા રહેવુ, એ મંત્ર સાથે જ્યારે ઈશ્વરે આ જીવન તપસ્વીના રૂપમાં આપ્યુ છે ત્યારે શરીરને સાધન બનાવી અન્યનું કલ્યાણ કર્યા જવાનું શાસ્ત્રોએ શીખવ્યુ છે. શિક્ષણની સાથે કૌશલ્યના વિકાસ થકી વિદ્યાર્થીનું સર્વાંગી ઘડતર થશે જેનાથી પ્રત્યેક વિદ્યાર્થી શૈક્ષણિક કારકિર્દી દરમિયાન જ પોતાના કૌશલ્યનો વિકાસ સાધી શકશે, જે આ નવી શિક્ષણ નીતિનું મહત્વનું પાસું છે.
સમાપન સમારોહ પ્રારંભે આમંત્રીત વિદ્વાનોને સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા અને ડીન પ્રો.(ડો.) જયસિંહ ઝાલાએ શબ્દસુમનથી સત્કાર્યા હતા. અને કાર્યક્રમનાં અંતે સૈા સહયોગીઓ અને વિદ્વત્તજનોનો આભાર પ્રકટ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણી સંભાળ્યુ હતુ અને ડો. ઋષિરાજ ઉપાધ્યાયએ સેમિનારનો રીપોર્ટ રજુ કર્યો હતો. શોધપત્ર પ્રસ્તુત કર્તાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં દેશભરમાંથી ૩૦૪ જેટલા વિદ્વાન શોધકર્તાઓએ રજીસ્ટ્રેન કરાવ્યુ હતુ જેમાંથી ૨૯૩ જેટલા શોધકર્તાઓ અને અધ્યાપકોની ઉપસ્થિતી રહી હતી.
રિપોર્ટર મહેશ કથીરિયા