Gujarat

વડોદરામાં લિફ્ટનાં ટેસ્ટિંગ સમયે ટાઇલસના કારીગરનું માથું ફસાતા લોહીલુહાણ

વડોદરા શહેરમાં એક યુવકનું લિફ્ટમાં માથું ફસાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટના VIP રોડ વિસ્તારમાં આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં બની હતી. જ્યાં ટાઈલ્સ લગાવવાનું કામ કરતા કારીગરનું મોત થયું છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતક યુવકની ઓળખ સંજય રણછોડભાઈ પ્રજાપતિ (ઉ.વ. 37, રહે. અંબિકાનગર, ઉમિયાનગર, ચાણક્યપુરી, ન્યૂ સમા રોડ) તરીકે થઈ છે.

સંજય વૃંદાવન પાર્ક સોસાયટીમાં ટાઈલ્સ લગાવવાનું કામ કરી રહ્યો હતો. ઘટના બની ત્યારે તેઓ લિફ્ટનું ટેસ્ટિંગ કરવા માટે ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટની ઉફરની એંગલમાં તેનું માથું ફસાઈ ગયું હતું જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમની ચીસો સાંભળીને લોકોમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઉપરાંત હરણી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગની ટીમે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ દુર્ભાગ્યે સંજયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.