જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ સ્ટેશનના PI એચ.વી. રાઠોડની સૂચના મુજબ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, હરદેવસિંહ જાડેજા અને અન્ય પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે ધ્રોલથી જોડિયા તરફ જતા રોડ પર સોના સ્ટોન પાસે એક શંકાસ્પદ ક્રેટા કાર પડેલી છે.
બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. ત્યાં એક ક્રેટા કારમાં વિદેશી દારૂની 481 બોટલો મળી આવી હતી. કારનો ચાલક ઘટનાસ્થળે હાજર ન હતો અને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે HR-70-G-6087 નંબરની ક્રેટા કાર કિંમત રૂ. 6,00,000 અને અલગ-અલગ કંપનીની વિદેશી દારૂની 481 બોટલો કિંમત રૂ. 6,46,780 મળી કુલ રૂ. 12,46,780નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના PI એચ.વી. રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરીયા, હરદેવસિંહ જાડેજા અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.