Gujarat

ભાજપના ’40 ટકા કમિશન’ના આક્ષેપ સાથે સ્ટેન્ડિંગ કમિટી બહાર ધરણાં

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સામે છેલ્લા કેટલાક સમયથી મોરચો ખોલવામાં આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સત્તાધારી ભાજપ દ્વારા શહેરના વિકાસ કામોમાં 40 ટકા કમિશન સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે કોંગ્રેસ દ્વારા સમયાંતરે આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધપક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો સ્ટેન્ડિંગ કમિટી બહાર ધરણા પર બેસી ગયા હતા.

કાર્યકરોએ પોતાના હાથમાં ‘ભાજપ તુને કયા કિયા, ભય ભૂખ કે સાથે 40 ટકા કા ભ્રષ્ટાચાર કિયા’ જેવા સૂત્રો લખેલા પોસ્ટર્સ રાખ્યા હતા. આ પોસ્ટર્સ પર ગાંધીજીના ત્રણ વાનરોની તસવીર પણ દર્શાવવામાં આવી હતી.

કોંગ્રેસના કાર્યકરોએ ‘રંગમતી નદી ઊંડી ઉતારવા પદાધિકારીઓનું 40 ટકા કમિશન’ જેવા પોસ્ટર્સ પણ પ્રદર્શિત કર્યા હતા. કચેરીના દ્વાર આગળ ધરણા પર બેસીને કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.