સુરત જિલ્લાના બારડોલી તાલુકાના જુની કિકવાડ ગામના નવા ફળિયામાં એક સપ્તાહથી દીપડા દ્વારા મરઘાંઓનો શિકાર થઈ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી અરવિંદભાઈ શુક્કરભાઈ ચૌધરીના ઘર પાસે દીપડો મરઘાંનો શિકાર કરી પલાયન થઈ જતો હતો. અરવિંદભાઈએ આ અંગે ગામના સરપંચ હેમંતભાઈ ઉમેશભાઈ ચૌધરીને જાણ કરી. હેમંતભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ અને સામાજિક વનીકરણ રેંજના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીને વાકેફ કર્યા.
વન વિભાગના કર્મચારી યોગેશભાઈએ બે દિવસ પહેલા અરવિંદભાઈના ઘર પાસે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે મારણ ખાવાની લાલચે ચાર વર્ષની દીપડી પાંજરામાં પુરાઈ ગઈ. દીપડી પકડાયાની વાત ફેલાતાં આસપાસના ગામોમાંથી લોકોનું ટોળું એકત્ર થયું હતું. હેમંતભાઈએ તરત જ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન અને વન વિભાગના કર્મચારી યોગેશભાઈને જાણ કરી.