પંચમહાલ જિલ્લામાં જોખમી મુસાફરી કરતા વીડિયો અવારનવાર વાઇરલ થઇ રહ્યા છે. વડોદરાથી હાલોલ હાઇવે માર્ગ પર મધ્ય પ્રદેશ તરફ જતી એક સ્લીપર કોચ ખાનગી લક્ઝરી બસની છત પર મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસના સંચાલકો વધુ પૈસા કમાવવાની લાલચે મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. બસમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો અંદર પણ બેસાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બસનો ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતો પણ વીડિયોમાં જોવા મળ્યો હતો.

મોટેભાગે આવી લક્ઝરી બસો કચ્છ, કાઠિયાવાડ, સુરત અને વડોદરા તરફથી મુસાફરો ભરીને મધ્ય પ્રદેશ તરફ જતી હોય છે. આ બસોમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરોને ભરવામાં આવે છે. આમ છતાં પંચમહાલ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ આંખ આડા કાન કરી રહ્યા છે.
હાલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને લઈને મજૂરી અર્થે ગયેલા શ્રમજીવી પરિવારો આ તહેવાર મનાવવા માટે ઘણી વખતે ખાનગી બસોમાં જોખમી રીતે મુસાફરી કરીને જતા હોય છે. તાજેતરમાં જ વડોદરાથી હાલોલ હાઇવે માર્ગ પર એક ખાનગી બસમાં 50 કરતા પણ વધારે મુસાફરોને બસની છત પર બેસાડીને જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવી રહી હતી.
આવા જોખમી મુસાફરી કરાવતા વાહનચાલકો સામે આરટીઓ અને ટ્રાફિક વિભાગે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.