રક્ષાબંધનના પવિત્ર દિવસે મોરબી સબજેલમાં અનોખી ઉજવણી કરવામાં આવી. જેલમાં બંધ કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોરબી સબજેલના અધિક્ષક ડી.એમ.ગોહિલની સૂચના અનુસાર સ્થાનિક કર્મચારીઓએ આ આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું. અનેક કેદીઓની બહેનો જેલમાં આવી અને તેમના ભાઈઓને રાખડી બાંધી. આ ભાવુક ક્ષણે ઘણા ભાઈ-બહેનોની આંખો ભીની થઈ ગઈ હતી.
જેલ વિભાગના વડા કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ ‘એક પેડ ભાઈ કે નામ’ અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી. આ અભિયાન હેઠળ કેદીઓએ રાખડી બાંધવા આવેલી બહેનોને પ્રતિક તરીકે એક-એક વૃક્ષ ભેટ આપ્યાં.
આ રીતે રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો. સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી હતી ત્યારે મોરબી સબજેલમાં યોજાયેલ આ કાર્યક્રમે બંધ બારણે રહેલા કેદીઓને પણ તેમના પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાવાની તક પૂરી પાડી. આ પહેલથી કેદીઓમાં સકારાત્મક ભાવના પ્રગટી અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ ફેલાયો.