સપ્તપુરી તથા ચાર ધામ પૈકીના એક યાત્રાધામ દ્વારકામાં લગભગ દર માસે હજારો ભાવિકો પૂનમ ભરવા માટે આવતા હોય છે. તેમાં પણ હાલ પવિત્ર શ્રાવણ માસમાં બળેવ પૂર્ણિમાનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી શનિવારે પણ હજારો ભાવિકો વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા.
મંગળા આરતી, શ્રીજી શૃંગાર તથા શૃંગાર આરતી સહિત મધ્યાહ્ન સમયે શ્રીજીના યજ્ઞોપવિધ ધારણ સહિતના વિવિધ સમયે હજારો ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.
દ્વારકાધીશ જગતમંદિરમાં મધ્યાહ્ન સમયે ઠાકોરજીને યજ્ઞોપવિત અર્પણ કરાયા બાદ ઉત્સવ ભોગ અર્પણ કરાયો હતો જેમાં ઠાકોરજીને બાલભોગ ઉપરાંત વિશેષતઃ ગોળધાણાં, શીરો તથા ગોળપાપડીનો ભોગ અર્પણ કરાશે અને સાથે જ ઠાકોરજીની આરતી પણ કરવામાં આવી હતી.
ઠાકોરજીના યજ્ઞોપવિધ ધારત કર્યા બાદ જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજી સન્મુખ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી.જગતમંદિરે સવારથી સાંજ સુધી ભકતોનો અવિરત પ્રવાહ રહયો હતો.